પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષે જોવાલાયક સ્થળોશ્રીસ્વામિનારાયણ મંદિર

શ્રીસ્વામિનારાયણ મંદિર, સારંગપુર

 
(BAPS)શ્રીસ્વામિનારાયણ મંદિર, સારંગપુર
સારંગપુર સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ છે. ભગવાન સ્વામિનારાયણનાં પુનિત પાદારવિંદથી પ્રસાદીભૂત થયેલી આ ભૂમિ પર બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)નું ભવ્ય મંદિર શોભે છે. શહેરના ધોંધાટથી દૂર, ગહેકતા મોરલાઓના ટહુકાર અને હરિયાળીથી છવાયેલું આ મંદિરનું પરિસર યાત્રાળુને શાંતિનો દિવ્ય અનુભવ કરાવે છે. આ પવિત્ર તીર્થ અને તેને સંલગ્ન સામાજિક સેવા પ્રવૃત્તિઓની ઝાંખી અહીં પ્રસ્તુત છે.
 
શ્રીસ્વામિનારાયણ મંદિર
સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી ઊંચું (૧૧૪ ફૂટ) આ મંદિર ભારતીય શિલ્પશાસ્ત્ર પ્રમાણે નાગરાદિ શૈલીમાં પોરબંદરી પથ્થરો દ્વારા નિર્મિત થયેલું છે.
 
ત્રણ માળનું વિશાળ મહાલય સમું આ મંદિર કલાત્મક સ્તંભપંક્તિઓ, નકશીદાર કમાનો, રૂપચોકીઓ, આરસમઢયું મંડોવર, ગોળાકાર સોપાનપંક્તિ તથા વિશાળ ધુમ્મટ અને પાંચ ઉત્તુંગ શિખરોથી શોભી રહ્યું છે. મંદિરમાં પ્રવેશતાં જ બંને બાજુના કલાત્મક દેરાંઓમાં વિશાળ કદની હનુમાનજી તથા ગણેશજીની મૂર્તિઓનાં તથા રામપંચાયત અને શિવપંચાયતનાં દર્શન થાય છે.
 
સનાતન વૈદિક ઉપાસનાના સિદ્ધાંત અનુસાર આ મંદિરના ગર્ભગૃહમાં મધ્યખંડમાં પરબ્રહ્મ ભગવાન શ્રીસ્વામિનારાયણ, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદસ્વામી અને અક્ષરમુક્ત ગોપાળાનંદસ્વામીની પંચધાતુની પૂર્ણકદની મૂર્તિઓ પ્રતિષ્ઠિત થયેલી છે. પ્રથમખંડમાં શ્રીરાધાકૃષ્ણદેવ તથા શ્રીહરિકૃષ્ણ મહારાજ અને શ્રીમુકુન્દાનંદ બ્રહ્મચારી(ભગવાન સ્વામિનારાયણના અંગત સેવક)ની મૂર્તિઓ છે. અંતિમ ખંડમાં ભગવાન સ્વામિનારાયણ, તેઓના માતા-પિતા-ધર્મદેવ અને ભક્તિમાતા તથા સંપ્રદાયના આદિઆચાર્યો-શ્રીરધુવીરજી મહારાજ અને શ્રીઅયોધ્યાપ્રસાદજી મહારાજની નાજુક અને સુંદર મૂર્તિઓ શોભે છે. અંતિમખંડ તથા મધ્યખંડની વચ્ચેના એક ખંડમાં કાષ્ઠની શ્રીધનશ્યામ મહારાજ(ભગવાન સ્વામિનારાયણનું બાલસ્વરૂપ)ની સુંદર મૂર્તિ દર્શન આપે છે. પ્રથમખંડ અને મધ્યખંડની વચ્ચે સુખશૈયાનાં દર્શન થાય છે. વૈષ્ણવી પરંપરા અનુસારની પૂજારીતિ પ્રમાણે મંદિરમાં મંગળા, શણગાર, રાજભોગ, સંધ્યા અને શયન એમ પાંચ આરતીનાં ભવ્ય દર્શન થાય છે.
 
મંદિર પરિસરનો પથ્થરનિર્મિત વિશાળ પ્રવેશદ્વાર દક્ષિણ ભારતીય ગોપુરમની ઝાંખી કરાવે છે.મંદિરની બાજુમાં કાષ્ઠનીકલાકારીગરીથી શોભતી ભવ્ય હવેલી છે. આ હવેલીમાં સંતઆશ્રમ તથા સભામંડપ આવેલો છે.
 
મંદિરનો ઇતિહાસ
સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં મળતી વિગત મુજબ સારંગપુર ગામ ભગવાન સ્વામિનારાયણની અનેક લીલાઓનું સાક્ષી રહ્યું છે. તેઓની એક દિવ્યલીલાએ આ મંદિરનું સંકલ્પબીજ રોપ્યું હતું. ઈ.સ.૧૮૦૮માં વસંતોત્સવને દિવસે તેઓએ ગામમાં ઉત્સવ કર્યો હતો. તે દિવસે ઉતાવળી નદીના તટપ્રદેશમાં રોઝા ધોડા ઉપર સવારી કરી તેને કુંડાળે નાંખ્યો હતો. ત્યારબાદ પરમહંસો-ભક્તો સમક્ષ પોતાનો સંકલ્પ છતો કરતાં કહ્યું હતું, "અહીં કુંડાળું કરીને અમે એક મોટા મંદિરનું ખાત કર્યું છે. ભવિષ્યમાં અહીં સુખદાઈ મંદિર થશે.'
 
ભગવાન સ્વામિનારાયણના ત્રીજા અનુગામી બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કે જેમણે BAPS સંસ્થાની સ્થાપના કરેલી તેઓએ સારંગપુરના ભક્તોનો પ્રેમાગ્રહ અને ભક્તિભાવ નિહાળી અહીં ઉતાવળીના તટપ્રદેશમાં જમીન સંપાદન કરી ભગવાન સ્વામિનારાયણના સંકલ્પની પૂર્તિ કરતું આ મંદિર ઈ.સ.૧૯૧૬ના છઠ્ઠી મેના દિવસે પ્રતિષ્ઠિત કર્યું.
 
BAPS સંસ્થાના પ્રારંભના દિવસોમાં ધન, સાધન અને માનવબળની અછત છતાં ભક્તિના બળથી સંતો અને હરિભક્તોએ જાતે સેવા કરી મંદિર ઊભું કર્યું છે. ઇષ્ટનિષ્ઠા, સેવા અને સમર્પણના પાયા પર રચાયેલ આ મંદિરના બાંધકામ સાથે સંકળાયેલી અનેક ધટનાઓ BAPS ના ઇતિહાસના સુવર્ણપૃષ્ઠોમાં અંકાયેલી છે.